ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં કેટલો વરસાદ પડશે, હવામાન વિભાગે શું નવી માહિતી આપી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાયો છે અને કેટલાક વિસ્તારોમાં પૂરતો વરસાદ ન હોવાથી ખેડૂતોની સ્થિતિ વિકટ બની છે.
ભારતીય હવામાન વિભાગે શરૂઆતમાં જ આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય કરતું નબળું રહેશે તેવું અનુમાન કર્યું હતું અને પરિસ્થિતિ પણ એવી જ દેખાઈ રહી છે.
ગુજરાતમાં ખાસ કરીને પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છમાં પરિસ્થિતિ વધુ વિકટ બનતી જઈ રહી છે.
અહીંના ખેડૂતો પોતાના જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવાની માગ પણ કરી ચૂક્યા છે.
જોકે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા છે, પણ કોઈ ભારે કે અતિભારે વરસાદની કોઈ આગાહી નથી.
આમ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની આગાહી કરાય છે, પણ સંબંધિત જિલ્લામાં જોઈએ તેટલો વરસાદ નથી પડી રહ્યો છે.
ત્યારે હવે ખેડૂતો આગામી સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદની આશા રાખીને બેઠા છે.
આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે સપ્ટેમ્બર મહિનામાં વરસાદની શું સ્થિતિ રહેશે તેની માહિતી આપી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની કોઈ મજબૂત સિસ્ટમ બનશે?
ભારતીય હવામાન વિભાગ અનુસાર, હાલના સમયમાં ગંગા પશ્ચિમ બંગાળ અને ઉત્તર દરિયાકાંઠાના ઓડિશા અને ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીના નજીકના વિસ્તારો પર એક લૉ પ્રેશર એરિયો બનેલો છે.
તેમજ તે આગામી 48 કલાકમાં ઉત્તર ઑડિશા અને ઝારખંડમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે.
તો સરેરાશ દરિયા સપાટી પર મૉન્સૂન ટ્રફ હવે જમ્મુ ચંદીગઢ, શાહજહાંપુર, વારાણસી, ગંગા પશ્ચિમ બંગાળ અને ઉત્તર દરિયાકાંઠાના ઓડિશા, ઝારખંડ અને ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીના નજીકના વિસ્તારો પર લો-પ્રેશર વિસ્તારના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ પૂર્વ-મધ્ય બંગાળની ખાડી તરફ જાય છે.
સપ્ટેમ્બર મહિનામાં કેટલો વરસાદ પડશે?

ઇમેજ સ્રોત, imd
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતીય હવામાન વિભાગ અનુસાર, સપ્ટેમ્બર મહિના (2026) દરમિયાન સમગ્ર દેશમાં માસિક વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની સૌથી વધુ સંભાવના છે.
ભૌગોલિક રીતે જોવામાં આવે તો દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે. જોકે, ઉત્તર-પશ્ચિમ ભારત, ઉત્તર-પૂર્વ ભારત, પૂર્વ ભારત, પૂર્વ-મધ્ય ભારત અને દ્વીપકલ્પીય ભારતના કેટલાક દક્ષિણ-પૂર્વીય વિસ્તારોમાં સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે.
તેમજ સપ્ટેમ્બર 2026 દરમિયાન દેશના મોટા ભાગના વિસ્તારોમાં માસિક સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે.
તે જ રીતે, માસિક સરેરાશ લઘુતમ તાપમાન પણ દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે.
જોકે, ઉત્તર-પશ્ચિમ ભારત, પશ્ચિમ-મધ્ય ભારત અને ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં લઘુતમ તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગ અનુસાર, હાલમાં વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં મજબૂત અલ નીનોની સ્થિતિ યથાવત્ છે, જેમાં મધ્ય અને પૂર્વીય વિષુવવૃત્તીય પ્રશાંત વિસ્તારમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં વધુ છે.
આગામી મહિનાઓમાં આ સ્થિતિ વધુ મજબૂત બનવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત અને દેશમાં ચોમાસાને નબળું પાડતાં પરિબળોમાં એક કારણ અલ નીનો પણ છે.
હાલના સમયમાં હિંદ મહાસાગરમાં તટસ્થ ઇન્ડિયન ઓશન ડાયપોલ (આઇઓડી)ની સ્થિતિ પ્રવર્તી રહી છે.
મૉન્સૂન મિશન કપલ્ડ ફૉરકાસ્ટ સિસ્ટમના અનુમાન મુજબ સપ્ટેમ્બર 2026 સુધી તટસ્થ આઇઓડીની સ્થિતિ યથાવત્ રહેવાની સંભાવના છે.
જોકે, આંતરરાષ્ટ્રીય આબોહવા કેન્દ્રોના અનુમાન મુજબ સપ્ટેમ્બર પછી તટસ્થ આઇઓડીની સ્થિતિ સકારાત્મક સ્થિતિમાં પરિવર્તિત થઈ શકે છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર, ઓછા વરસાદને કારણે ખેતી, જળસંસાધનો, જળવિદ્યુત ઉત્પાદન, પર્યાવરણતંત્ર (ઇકૉસિસ્ટમ)ની સ્થિરતા અને પીવાના પાણીની ઉપલબ્ધતા પર નકારાત્મક અસર કરી શકે છે.
ગુજરાતમાં પણ એવી જ પરિસ્થિતિ રહેશે એવું અનુમાન છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ હવામાન સેલના વડા, પ્રોફેસર ધીમંત વઘાસિયા કહે છે કે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદની શક્યતા ઓછી છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે "ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ જોવા મળશે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની શક્યતા નહિવત્ છે અને આવું આખો મહિનો ચાલી શકે છે."
ગુજરાતમાં આગામી કેટલા દિવસ વરસાદની શક્યતા છે?

ઇમેજ સ્રોત, Getty Images
હવામાન વિભાગ અનુસાર, આગામી કેટલાક દિવસોમાં ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદની શક્યતા છે.
2 સપ્ટેમ્બરની આગાહી મુજબ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જેવાં છૂટાંછવાયાં સ્થળોએ સામાન્ય વરસાદની શક્યતા છે.
તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વડોદરા અને ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
એવી જ રીતે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાંછવાયાં સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, દીવ,સોમનાથ, બોટાદમાં હળવોથી સામાન્ય વરસાદ વરસી શકે છે.
ત્રીજી સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા, જેમ કે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જેવાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદની શક્યતા છે.
તેમજ દક્ષિણના જિલ્લાઓમાં વડોદરા અને ભરૂચ અને છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગ અનુસાર, ત્રીજી સપ્ટેમ્બરથી માંડીને સાત સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં મોટા ભાગના જિલ્લામાં કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદની આગાહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















