વિશ્વ મેલેરિયા દિવસ : બાળકોનાં મગજને પહોંચતા લાંબા ગાળાના નુકસાન માટે શું મેલેરિયા જવાબદાર છે?


મારિયાને જ્યારે તેનું નાનું બાળક મેલેરિયાથી બચી ગયું ત્યારે રાહત થઈ, પરંતુ વર્ષો પછી તેને શાળામાં મુશ્કેલી પડવા લાગી.

ઇમેજ સ્રોત, Maria Natembo

ઇમેજ કૅપ્શન, મારિયાને જ્યારે તેનું નાનું બાળક મેલેરિયાથી બચી ગયું ત્યારે રાહત થઈ, પરંતુ વર્ષો પછી તેને શાળામાં મુશ્કેલી પડવા લાગી
    • લેેખક, ઇઝાબેલ શૉ
    • પદ, ગ્લૉબલ ડિજીટલ હેલ્થ
  • વાંચવાનો સમય: 6 મિનિટ

જોસેફ નાટેમ્બો બાળપણમાં મેલેરિયામાંથી ઊગરી જતાં તેનાં 54 વર્ષીય માતા મારિયાને રાહત થઈ હતી અને બલા ટળી ગયાનો હાશકારો થયો હતો.

પણ આશરે બે દાયકા પછી, યુગાન્ડાના આ 18 વર્ષના યુવાનને હવે શીખવામાં મુશ્કેલી થઈ રહી છે અને ડૉક્ટરોનું માનવું છે કે, આ સ્થિતિનો, જોસેફને બાળપણમાં થયેલા સંક્રમણ સાથે સંબંધ હોઈ શકે છે.

જોસેફને ખાસ કરીને ગણિત અઘરું લાગે છે. તેઓ આંકડાને "મૂંઝવી મૂકનારા" ગણાવે છે અને ત્યારથી તેઓ સ્કૂલમાં એક વર્ષ પાછળ છે. તેમનાં માતાને પુત્રના ભવિષ્યને લઈને ચિંતા સતાવી રહી છે. તેમને ડર છે કે, શાળામાં નડી રહેલી સમસ્યાઓને કારણે તેમની નોકરી મળવાની સંભાવનાઓ ઓછી થઈ શકે છે.

યુગાન્ડામાં સંશોધકો દ્વારા 1,400 બાળકો પર મેલેરિયા ઇમ્પેક્ટ ઑન ન્યૂરોબિહેવરલ ડેવલપમેન્ટ (એમઆઇએનડી - માઇન્ડ) અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે, તે બાળકોમાં જોસેફનો પણ સમાવેશ થાય છે. આ અભ્યાસ મેલેરિયાની લાંબા ગાળાની તથા ગંભીર અસરો તપાસે છે.

જર્નલ ઑફ ધ અમેરિકન મેડિકલ ઍસોસિએશન (જેએએમએ)માં પ્રકાશિત થયેલું નવું સંશોધન સૂચવે છે કે, ખાસ કરીને ગણિત ક્ષેત્રે જોસેફનો અનુભવ અસાધારણ નથી અને તે મેલેરિયાની બીમારીનાં ગંભીર સ્વરૂપોમાંથી ઉગરી ગયેલાં બાળકોમાં એક વ્યાપક પૅટર્ન દર્શાવે છે.

મેલેરિયાની અસર લાંબા ગાળા સુધી

મેલેરિયા પરોપજીવીઓ દ્વારા થાય છે, જે મચ્છર દ્વારા ફેલાય છે અને અત્યાર સુધી મેલેરિયામાં બચી ગયેલા લોકોમાં શીખવાની ક્ષમતા પરની તેની લાંબા ગાળાની અસરો પર ખાસ અભ્યાસ થયો ન હતો.

પરંતુ, અભ્યાસમાં માલૂમ પડે છે કે, ગંભીર મેલેરિયામાં પટકાતાં બાળકોનાં મગજને નુકસાન પહોંચી શકે છે અને પ્રારંભિક સંક્રમણ થયાનાં વર્ષો પછી તેમની શીખવાની ક્ષમતા પર તેની વિપરિત અસર પડી શકે છે.

અમેરિકામાં ઇન્ડિયાના યુનિવર્સિટી ખાતે પીડિયાટ્રિક્સના પ્રોફેસર તથા અભ્યાસના અગ્રણી લેખક પ્રોફેસર ચાન્ડી જ્હોન કહે છે કે, આ નુકસાન "છૂપા નિશાન" તરીકે કામ કરે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેઓ કહે છે, "પહેલી નજરે બાળક સ્વસ્થ જણાય છે, પણ દિમાગને પહોંચેલી ઈજાની જાણકારી પરીક્ષણ પરથી મળી શકે છે. દિમાગની ઈજાની અસર વર્ગ ખંડ પર વર્તાઈ આવતી હોય છે."

યુગાન્ડામાં કમ્પાલાની મેકેરેર યુનિવર્સિટી ખાતે સાઇકિયાટ્રીના ઍસોસિએટ પ્રોફેસર પૌલ બંગીરાનાની આગેવાની હેઠળ હાથ ધરાયેલા અભ્યાસમાં બે પ્રકારના ગંભીર મેલેરિયાની સારવાર મેળવનારાં બાળકોને આવરી લેવામાં આવ્યાં હતાં.

તેમણે 2008થી બાળકોનું ફૉલો-અપ કર્યું હતું અને અગાઉના ફૉલો-અપમાં માલૂમ પડ્યું હતું કે, તે પૈકીનાં કેટલાંક બાળકોમાં મેલેરિયાના ગંભીર સંક્રમણના એક કે બે વર્ષની અંદર જ વિચારવા અને શીખવા પર અસર કરતી જ્ઞાનાત્મક ક્ષતિના સંકેતો જોવા મળ્યા હતા.

પરંતુ, તાજેતરનું વિશ્લેષણ સૂચવે છે કે, આ અસરો ઘણા લાંબા સમય સુધી વર્તાઈ શકે છે.

કુલ 939 બાળકોનું ફરીથી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, તે પૈકીનાં કેટલાંક બાળકોને મેલેરિયાને કારણે ગંભીર એનિમીયા કે પછી સેરેબ્રલ મેલેરિયા થયાનાં 15 વર્ષ પછી તપાસવામાં આવ્યાં હતાં.

સેરેબ્રલ મેલેરિયા એ આ સ્થિતિનું સૌથી ગંભીર સ્વરૂપ છે. જ્યારે સંક્રમિત રક્તકણો મગજની નાની રક્તવાહિનીઓમાં ફસાઈ જાય, રક્ત પ્રવાહ અટકાવે અને સોજો આવે, ત્યારે આ બીમારી થાય છે.

તેના કારણે દર્દી કોમામાં જઈ શકે છે અને અમુક કિસ્સામાં મોત પણ નીપજી શકે છે. તે ગંભીર એનિમીયા (જેમાં શરીર પૂરતા રક્તકણો ઉત્પન્ન કરતું નથી)નું કારણ બને છે. દર વર્ષે 20 લાખ જેટલાં બાળકો (જેમાંથી મોટાભાગનાં સબ-સહારન આફ્રિકાનાં હોય છે) તેની ઝપેટમાં આવતાં હોવાનું મનાય છે.

નીચો આઇક્યૂ


સંશોધકોએ શોધી કાઢ્યું કે કેટલાક બાળકો જેમને ગંભીર મેલેરિયા થયો હતો તેઓએ ગણિતમાં તેમના સાથીદારો કરતા ખરાબ પ્રદર્શન કર્યું જેઓ મેલેરિયામાં નહોતા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સંશોધકોએ શોધી કાઢ્યું કે કેટલાંક બાળકો જેમને ગંભીર મેલેરિયા થયો હતો તેઓએ ગણિતમાં તેમના સાથીદારો કરતાં ખરાબ પ્રદર્શન કર્યું

સંશોધકોને જાણવા મળ્યું હતું કે, મેલેરિયા ન થયો હોય, તેવાં બાળકોની તુલનામાં ગંભીર મેલેરિયાનો ભોગ બનનારાં કેટલાંક બાળકોનો ગણિતમાં દેખાવ ઘણો નબળો રહ્યો હતો.

અભ્યાસ હેઠળનાં બાળકોની ગણિત, વાચન, એકાગ્રતા તથા વિચારવાની સર્વાંગી ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ગંભીર મેલેરિયામાંથી બચી ગયેલાં બાળકોનો આઇક્યૂ કદીયે સંક્રમિત ન થનારાં બાળકોની તુલનામાં સરેરાશ ત્રણથી સાત પૉઇન્ટ ઓછો નોંધાયો હતો.

આ અભ્યાસ સાથે ન સંકળાયેલાં ફિલાડેલ્ફિયાની ચિલ્ડ્રન્સ હૉસ્પિટલ ખાતે ઇન્ફેક્શિયસ ડિસીઝનાં વડાં ડૉક્ટર ઓડ્રે જ્હોન કહે છે, "એક બાળક માટે, કદાચ તેમની ક્ષમતામાં મોટું પરિવર્તન ન આવે, પણ જ્યારે હજ્જારો બાળકોના સંદર્ભમાં તેને જોવામાં આવે, ત્યારે આ બૌદ્ધિક ફટકો ઘણો જ વ્યાપક હોય છે."

શિક્ષણમાં નાના અમથા ફેરફારો પણ નોકરીની ભાવિ તકોને, તથા વ્યાપક સ્તર પર પરિવાર અને સમગ્ર દેશને સુદ્ધાં પ્રભાવિત કરી શકે છે.

તેઓ ઉમેરે છે, "અને વિશ્વનાં અડધો-અડધ બાળકો મેલેરિયાગ્રસ્ત વિસ્તારોમાં રહે છે, તેથી વિશ્વનાં અડધાં બાળકો તેનો ભોગ બનવાનું જોખમ છે."

સંશોધકોએ સામાજિક-આર્થિક દરજ્જો અને શિક્ષણ સહિતનાં પરિબળો ધ્યાનમાં લઈને નોંધ્યું કે, આરોગ્ય સેવાઓ મેળવવામાં રહેલી અસમાનતા પણ પરિણામોને પ્રભાવિત કરી શકે છે, પણ તેમને જાણવા મળ્યું હતું કે, આ બીમારીથી સંક્રમિત ન થયેલાં બાળકો કરતાં સંક્રમિત થયેલાં બાળકોનો દેખાવ ગણિતમાં કંગાળ રહ્યો હતો.

જોકે, વાચન ક્ષમતા મોટાપાયે બિનપ્રભાવિત રહી હતી.

જ્હોન કહે છે, "બાળકે શિક્ષણના આગામી સ્તર પર જવા માટે ગણિતનાં કૌશલ્યો વિકસાવવાં જરૂરી હોય છે."

"આથી, મેલેરિયા માધ્યમિક શાળા કે કૉલેજમાં જવાની તેમની ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે."

શાળામાં નડતી સમસ્યા

જોસેફ શાળા છોડ્યા પછી એક નાનો વ્યવસાય શરૂ કરવાની આશા રાખે છે

ઇમેજ સ્રોત, Andrew Mbowa

ઇમેજ કૅપ્શન, જોસેફ શાળા છોડ્યા પછી એક નાનો વ્યવસાય શરૂ કરવાની આશા રાખે છે

જોસેફ શાળા છોડ્યા પછી નાનો વ્યવસાય શરૂ કરવાની અપેક્ષા સેવે છે.

જોસેફ સહિત ચાર બાળકોનાં માતા મારિયા કહે છે કે, જોસેફ બીમાર પડ્યો, તે પહેલાં તે એક સામાન્ય બાળક જેવો જ હતો, જેને ભાઈ-બહેનો સાથે રમવામાં ઘણી મજા આવતી હતી.

2009માં બે વર્ષના જોસેફને ભારે તાવ આવ્યો અને ઊલટીઓ થવા માંડી. તે પછી તેને સેરેબ્રલ મેલેરિયા હોવાનું નિદાન થયું.

તે સમયે મારિયાને ડર હતો કે, તે કદાચ બચશે નહીં, કારણ કે, તેઓ જાણતાં હતાં કે, આવી બીમારીમાં પટકાતાં બાળકો ઘણી વખત મૃત્યુ પામે છે.

હૉસ્પિટલની અંદર અને બહાર અઠવાડિયાંઓ વીતાવ્યા પછી જોસેફ સાજો થયો.

પણ સાત વર્ષનો જોસેફ જ્યારે પ્રાથમિક શાળામાં હતો, ત્યારે સમસ્યા દેખાવા માંડી.

મારિયા કહે છે, "ગણિતમાં તેનો દેખાવ સારો નહોતો. સરવાળા-બાદબાકી - બધામાં તેને તકલીફ પડતી હતી."

જોસેફને લાગે છે કે, તેના લીધે જ તેમને કેમિસ્ટ્રી તથા ફિઝિક્સ જેવા આંકડા આધારિત વિષયોમાં પણ મુશ્કેલી પડે છે.

"તેનાં ભાઈ-બહેનોને ગણિત સારું આવડે છે, તેમના મુકાબલે જોસેફનું ગણિત બિલકુલ સારું નથી," એમ મારિયા કહે છે.

જોસેફના પ્રદર્શનને લઈને ચિંતિત શિક્ષકો આટલાં વર્ષોમાં ઘણી વખત મારિયાને શાળાએ બોલાવી ચૂક્યા છે. મારિયાએ ઘરે ટ્યૂશન રખાવ્યું, તેમ છતાં જોસેફ અભ્યાસમાં સતત પાછળ રહેતો હતો, કારણ કે, તે એકાગ્રતા રાખી શકતો નહોતો.

"તે શાંત બેસતો નહોતો... તેનું ધ્યાન જ નહોતું," એમ તેમણે કહ્યું હતું.

તેનાં કેટલાંક ભાઈ-બહેન યુનિવર્સિટીમાં ભણવાં જશે, પણ જોસેફને યુનિવર્સિટીમાં જવામાં મુશ્કેલી પડી શકે છે, એમ મારિયાએ જણાવ્યું હતું.

તેમ છતાં, જોસેફ કહે છે કે, તે શાળા છોડી દીધા પછી કાર પાર્ટ્સ વેચવાનો નાનો વ્યવસાય શરૂ કરવાની અપેક્ષા સેવે છે.

સેરેબ્રલ મેલેરિયા કે ગંભીર એનીમિયાથી જ્ઞાનાત્મક ક્ષતિ કેવી રીતે પહોંચી શકે, તેની સંપૂર્ણ સમજ વિજ્ઞાનીઓ હજુ મેળવી શક્યા નથી.

આ અભ્યાસ એ પુરવાર નથી કરી શકતો કે, ગંભીર મેલેરિયાથી મગજને ઈજા પહોંચે છે. ઊલટું, તે બીમારી અને વિચારવા-શીખવાની લાંબા ગાળાની સમસ્યા વચ્ચે ગાઢ સંબંધ રહેલો હોવાનું દર્શાવે છે.

તેમના અભ્યાસના આગામી તબક્કામાં સંક્રમણ મગજના વિવિધ ભાગો પર કેવી રીતે અસર ઉપજાવે છે, તે તપાસવા માટે એમઆરઆઇ બ્રેઇન સ્કૅનનો ઉપયોગ કરવામાં આવશે.

ગત અભ્યાસો દર્શાવે છે કે, ગંભીર મેલેરિયાને કારણે લકવો, નબળું હલનચલન અને દૃશ્યાત્મક સંકલનમાં ખામી સર્જાઈ શકે છે.

ઉપરાંત, ખેંચ, અંધાપો, વર્તનલક્ષી સમસ્યા અને ઍટેન્શન ડેફિસિટ હાઇપરઍક્ટિવિટી ડિસૉર્ડર (એડીએચડી) સાથે પણ તેને સંબંધ છે.

વૈશ્વિક સમસ્યા

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબલ્યૂએચઓ)ના મતે, 2024માં વિશ્વભરમાં મેલેરિયાના આશરે 28.2 કરોડ કેસ નોંધાયા હતા અને 6,10,000 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જેની સામે તેના આગલા વર્ષે 5,98,000 લોકો મોતને ભેટ્યાં હતાં.

તેમાં આફ્રિકાનાં નાનાં બાળકો મોટી સંખ્યામાં જીવ ગુમાવે છે.

સદીની શરૂઆત સાથે વૈશ્વિક મૃત્યુઆંક ઘટાડવામાં પ્રગતિ સાધવામાં આવી હોવા છતાં, તાજેતરનાં વર્ષોમાં આ આગેકૂચ ખોરવાઈ ગઈ છે.

47 દેશો મેલેરિયા-મુક્ત જાહેર કરાયા છે, જ્યારે ઇથિયોપિયા, મડાગાસ્કર, અફઘાનિસ્તાન અને યમન સહિતના દેશોમાં મેલેરિયાના કેસોમાં ઉછાળો નોંધાયો છે.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને બીમારીમાં આવેલા ઉછાળા માટે આંશિક રીતે ક્લાઇમેટ ચેન્જને જવાબદાર ઠેરવ્યું છે. ક્લાઇમેટ ચેન્જને કારણે મચ્છરો ફૂલે-ફાલે તેવી ગરમ, ભેજયુક્ત સ્થિતિ ઉદ્ભવી છે અને અગાઉ અસરગ્રસ્ત નહોતા, તેવા પ્રદેશોમાં પણ રોગ ફેલાવતાં જંતુઓ પહોંચી ગયાં છે.

આ ઉપરાંત, મેલેરિયાની સારવાર માટે તથા પરોપજીવીઓને મારવા માટે વપરાતી સામાન્ય દવાઓ સામે વધી રહેલી પ્રતિકાર શક્તિ તેમજ ફંડિંગ પરનો વૈશ્વિક કાપ પણ તે માટે જવાબદાર છે.

નિષ્ણાતો ચેતવણી આપે છે કે, જે રીતે મેલેરિયા નવા પ્રદેશોમાં પ્રસરી રહ્યો છે, તે જોતાં મેલેરિયા સામે રોગપ્રતિકારક શક્તિ ન કેળવી હોય, તેવી વિશાળ વસ્તી આ બીમારીનાં વધુ ગંભીર સ્વરૂપોનો ભોગ બની શકે છે.

જ્હોન કહે છે, "દક્ષિણ-પૂર્વ એશિયાના કેટલાક ભાગોમાં કિશોરો અને યુવાનોમાં મેલેરિયા વધુ ગંભીર સ્વરૂપમાં જોવા મળે છે."

"તેમનામાં તે સ્તરની રોગપ્રતિકારક શક્તિ વિકસી નથી."

આગળ શું?

મલેરિયા, બીબીસી ગુજરાતી

આરટીએસ, એસ વૅક્સિન સહિત મેલેરિયાની બે રસી રજૂ કરવામાં આવી છે, જેમનો આશય સબ-સહારન આફ્રિકાનાં બાળકોમાં આ બીમારીનાં ગંભીર સ્વરૂપો નિવારવાનો છે.

નવેમ્બર, 2025 સુધીમાં આફ્રિકાના 24 દેશોમાં ચાર કરોડ કરતાં વધુ ડોઝ પહોંચાડવામાં આવ્યા હોવાનું યુનિસેફે જણાવ્યું હતું.

ઓડ્રે જ્હોન કહે છે, "એ સાચે જ અદ્ભુત બાબત છે કે, આપણી પાસે આ નવી નિવારણાત્મક સારવાર છે અને આપણે બાળકોનાં જીવ બચાવી રહ્યા છીએ."

"પણ તે પૂરતું નથી, આપણે આટલું કરીને અટકી ન જઈ શકીએ. આ બીમારીનો સામનો કરી રહેલાં લાખો લોકોનું રક્ષણ કરવા માટે તેમજ તેમની સારવાર કરવા માટે આપણે બહેતર કામગીરી કરવી પડશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન