મણિપુરમાં ફરી હિંસા, નવ લોકોનાં મોત, અનેક ઘરોને આગ લગાડાઈ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, AFP via Getty Images
મણિપુરના પર્વતીય જિલ્લાઓમાં થયેલી નવી હિંસાત્મક ઘટનાઓમાં ઓછામાં ઓછા 9 લોકોનાં મોત થયાં છે.
આ દરમિયાન હુમલાખોરોએ લગભગ એક ડઝનથી વધુ ઘરોમાં આગ લગાવી દીધી હતી. આ હિંસા શુક્રવાર રાત્રિથી શરૂ થઈ હતી, જ્યારે એક કુકી મહિલાની કથિત રીતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
શુક્રવાર રાત્રે કામજોંગ જિલ્લાના ચસાદ ગામમાં સશસ્ત્ર જૂથો અને સુરક્ષા દળો વચ્ચે કથિત ગોળીબાર થયો હતો, જેમાં 42 વર્ષીય કુકી મહિલા ડોમખોની ટૌથાંગનું મોત થયું હતું.
પોલીસના એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું, "મણિપુર પોલીસ, ઇન્ડિયા રિઝર્વ બટાલિયન અને બીએસએફની સંયુક્ત ટીમ ચસાદ ગામમાં કથિત ગેરકાયદેસર બંકરો હટાવવા માટે ઑપરેશન ચલાવી રહી હતી. તે દરમિયાન સ્થાનિક મહિલાઓએ આ કાર્યવાહી રોકવાનો પ્રયાસ કર્યો હતો અને અજાણ્યા હુમલાખોરોએ સુરક્ષા ટીમ પર ગોળીબાર કર્યો હતો, જેના જવાબમાં સુરક્ષા દળોએ પણ કાર્યવાહી કરી હતી."
આ ઘટના પછી વિસ્તારમાં તણાવ વધી ગયો અને કેટલાક અજાણ્યા તોફાનીઓએ ગામનાં ઘણાં ઘરોમાં આગ લગાવી દીધી. આ ઘટનાના વિરોધમાં કુકી નાગરિક સંગઠન અને કુકી મહિલા સંગઠનના કાર્યકરોએ વિરોધપ્રદર્શન કર્યું હતું.
આ દરમિયાન ચસાદ ગામમાં વધુ એક કુકી વ્યક્તિની કથિત રીતે હત્યા કરવામાં આવી. આ રીતે શનિવારે સવારે હિંસા ફરી શરૂ થઈ ગઈ. કેટલાક અજાણ્યા હુમલાખોરોએ કથિત રીતે ચસાદ પોલીસ સ્ટેશનને આગ ચાંપવાનો પણ પ્રયાસ કર્યો હતો. હાલ કામજોંગ જિલ્લાના મૅજિસ્ટ્રેટે એક આદેશ જાહેર કરીને પોલીસ સ્ટેશનની 400 મીટરની પરિધિમાં પ્રતિબંધો લાગુ કર્યા છે.
કામજોંગ જિલ્લાના જ એક અલગ બનાવમાં નિંગચૂ ગામના બે નાગા વિલેજ ગાર્ડની શનિવારે સવારે કથિત રીતે હત્યા કરવામાં આવી. મૃતકોની ઓળખ 36 વર્ષીય નગાચાંસો નિંગશેન અને 48 વર્ષીય લેશિશાન હંગ્યો તરીકે થઈ છે. આ ઘટનાની માહિતી આપતાં તાંગખુલ નાગા સંગઠને જણાવ્યું કે આ હુમલો ભારત-મ્યાનમાર સરહદ પર આવેલા 102 નંબરના થાંભલા નજીક થયો હતો.
આ પહેલાં શનિવારે સવારે લગભગ 5 વાગ્યે માકુઈ ગામમાં કથિત રીતે કુકી સશસ્ત્ર જૂથના હુમલામાં ત્રણ નાગા વિલેજ ગાર્ડ માર્યા ગયા હતા. શનિવારે સવારે કાંગપોકપી જિલ્લાના ટપોન ગામમાં થયેલા અન્ય એક હુમલામાં કથિત રીતે એક સ્વયંસેવકનું મોત થયું હતું અને બે અન્ય ઘાયલ થયા હતા. મૃતકની ઓળખ મચુંગવાંગબો (35) તરીકે થઈ છે, જે થાલોન ગામના રહેવાસી હતા. આ રીતે અનેક વિસ્તારોમાં ગોળીબાર શનિવારે મોડી સાંજ સુધી ચાલુ રહ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અન્ય એક ઘટનામાં, સેનાપતિ જિલ્લાના તાપહૌ સેનાપતિ નેપાળી ગામના રહેવાસી 30 વર્ષીય સંદીપ રાયની શનિવારે સવારે ઉખરુલ જિલ્લાના કોંજાંગ ગામ નજીક અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી.
ગત 7 ફેબ્રુઆરીએ ઉખરુલ જિલ્લામાં કુકી અને નાગા જનજાતિના કેટલાક યુવાનો વચ્ચે કથિત મારામારી બાદ સંઘર્ષે વ્યાપક હિંસાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. છેલ્લા 8 મહિનાથી કુકી અને તાંગખુલ નાગાઓ વચ્ચે ચાલી રહેલી આ હિંસામાં 60થી વધુ લોકોનાં મોત થયાં છે.
આ દરમિયાન મણિપુરના મુખ્ય મંત્રી યુમનામ ખેમચંદસિંહે શનિવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
આ મુલાકાત બાદ મુખ્ય મંત્રી ખેમચંદે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સાથે મુલાકાત કરવી મારા માટે સદભાગ્યની વાત હતી. તેમનું દૂરંદેશી નેતૃત્વ વિકસિત ભારતના ભાગરૂપે શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને વિકસિત મણિપુર બનાવવાના અમારા સંકલ્પને સતત પ્રેરણા આપે છે."
સાઉદીમાં ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર થયેલા હુમલા અંગે ભારતે શું કહ્યું?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધસ્થિત કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અને અન્ય નાગરિક ઠેકાણાં પર થતા હુમલાઓની કડક નિંદા કરી છે.
ભારતે આ ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.
ભારતના વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં કહ્યું, "અમે છેલ્લા કેટલાક દિવસોમાં રિયાધના કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર વારંવાર કરવામાં આવેલા હુમલાઓની કડક નિંદા કરીએ છીએ. તેમાં 10 ઑક્ટોબરે કરવામાં આવેલો કાયરતાપૂર્ણ હુમલો પણ સામેલ છે."
"આ હુમલાઓમાં લોકોનાં મૃત્યુ થયાં છે, ઘણા લોકો ઘાયલ થયા છે અને સંપત્તિને નુકસાન પહોંચ્યું છે. અમે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ."
"સામાન્ય નાગરિકો અને તેમની સાથે સંબંધિત સુવિધાઓ પર વારંવાર કરવામાં આવતા હુમલાઓ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તેને તાત્કાલિક બંધ કરવામાં આવવા જોઈએ."
ભારતે કહ્યું, "અમે સાઉદી અરેબિયાની સાર્વભૌમત્વના સંરક્ષણ માટે ત્યાંની પ્રજા અને સરકારની સાથે છીએ. અમને આશા છે કે આ વિસ્તારમાં શક્ય તેટલી વહેલી તકે શાંતિ અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થશે."
નોંધનીય છે કે રિયાધ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર થયેલા હુમલામાં 12 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 309 લોકો ઘાયલ થયા હતા.
સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, ઘાયલોમાં કેટલાકની સ્થિતિ ગંભીર છે. હુમલા બાદ ઍરપૉર્ટ પરની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે.
'યુક્રેનને નવા રાષ્ટ્રપતિ મળવાનો સમય આવી ગયો છે', ટ્રમ્પે આવું કેમ કહ્યું?

ઇમેજ સ્રોત, Reuters
રશિયા સાથે અમેરિકાની ડીઝલ સોદાની યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આલોચના કરી હતી. આ આલોચનાનો જવાબ આપતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમને લાગે છે કે "યુક્રેનને નવા રાષ્ટ્રપતિ મળવાનો સમય આવી ગયો છે."
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ચેતવણી આપી હતી કે, લાખો ટન રશિયન ડીઝલ અમેરિકા મોકલવાના નવા સોદાથી મૉસ્કોને તેમના રાષ્ટ્ર સામેના યુદ્ધ ચાલુ રાખવા માટે પૈસા મળશે. આ સોદાને ઝેલેન્સ્કીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટેની ભેટ ગણાવી.
ટ્રમ્પે શનિવારે વ્હાઇટ હાઉસની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે, "ઝેલેન્સ્કી રશિયાની રિફાઇનરીઓ પર હુમલાની મંજૂરી આપીને દુનિયા માટે સમસ્યા ઊભી કરવા માગે છે."
"તેમણે આ બધું બંધ કરી દેવું સારું રહેશે," ટ્રમ્પે કહ્યું.
તેમણે વધુમાં કહ્યું કે "યુક્રેનને નવા નેતા મળવા જોઈએ જે સોદો કરી શકે."
ટ્રમ્પે કહ્યું કે અમે તેમને (યુક્રેનને) કહ્યું કે તમે રશિયા સાથે જે ઇચ્છો તે કરી શકો, રિફાઇનરી પર હુમલો ન કરો, કારણકે તે એક વૈશ્વિક સમસ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ઇઝરાયલ દ્વારા શરૂ કરાયેલા ઈરાન સામેના યુદ્ધને કારણે ડીઝલ સહિત વૈશ્વિક ઈંધણ પુરવઠો ભારે મર્યાદિત બન્યો છે, જેના કારણે હોર્મુઝ સ્ટ્રેટને અસરકારક રીતે બંધ કરવામાં આવ્યો હતો, જેના મારફતે વિશ્વનાં ઑઇલ ઉત્પાદનોનો લગભગ પાંચમા ભાગની અવરજવર થાય છે.
રશિયા અને યુક્રેનએ તાજેતરમાં એકબીજાનાં ઊર્જા માળખા અને પરિવહન સુવિધાઓ પરના હુમલાઓને વધુ તીવ્ર બનાવ્યા છે, જેના કારણે ઊર્જા બજારો પર વધુ દબાણ આવ્યું છે.
સાઉદી અરેબિયાના રિયાધ ઍરપૉર્ટ પર ભીષણ હુમલો, 12 લોકોનાં મોત અને 300થી વધુ ઘાયલ

ઇમેજ સ્રોત, AFP via Getty Images
સાઉદી અરેબિયાની રાજધાની રિયાધસ્થિત કિંગ ખાલિદ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર થયેલા હુમલામાં 12 લોકોનાં મોત થયાં છે, જ્યારે 309 લોકો ઘાયલ થયા છે.
સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર છે. હુમલા બાદ ઍરપૉર્ટ પરની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે.
બીજી તરફ, ઉડ્ડયન ટ્રેકિંગ વેબસાઇટ 'ફ્લાઇટરાડાર' અનુસાર, રિયાધ આવતી તમામ ફ્લાઇટ્સને અન્ય સ્થળે મોકલી દેવામાં આવી છે અથવા રદ કરી દેવામાં આવી છે.
સાઉદી સિવિલ ઍવિએશન ઑથોરિટીના જણાવ્યા મુજબ, મૃતકોમાં ચાર સાઉદી નાગરિકો, બાંગ્લાદેશના બે નાગરિકો અને અમેરિકા, જૉર્ડન, પેલેસ્ટાઇન, સીરિયા, સુદાન અને ઇજિપ્તના એક-એક નાગરિકનો સમાવેશ થાય છે.
અધિકારીઓએ જણાવ્યું કે ઍરપૉર્ટને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
સાઉદી અરેબિયાના નેતૃત્વવાળા સૈન્ય ગઠબંધને આ હુમલા માટે યમનના હૂતી વિદ્રોહીઓને જવાબદાર ઠેરવ્યા છે. ગઠબંધને આ હુમલાને 'યુદ્ધ અપરાધ' ગણાવતા જવાબી કાર્યવાહીની ચેતવણી આપી છે.
ગઠબંધનના પ્રવક્તા મેજર જનરલ તુર્કી અલ-મલિકીએ કહ્યું કે ઍરપૉર્ટના મુસાફર ટર્મિનલ પર થયેલા હુમલામાં સામાન્ય મુસાફરો અને ઍરપૉર્ટના કર્મચારીઓનાં મોત થયાં છે તેમજ ઘણા લોકો ઘાયલ થયા છે. તેમણે આ હુમલાને ગંભીર યુદ્ધ અપરાધ ગણાવ્યો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



























