ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલીક જગ્યાએ 'ભાજપનો વિરોધ' કેમ થઈ રહ્યો છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, વડોદરા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, રાજકારણ

ઇમેજ સ્રોત, facebook

  • વાંચવાનો સમય: 8 મિનિટ

આગામી 26 એપ્રિલના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાશે.

નોંધનીય છે કે, ગત 1 એપ્રિલના રોજ રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 84 નગર પાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયત માટે સામાન્ય ચૂંટણી યોજાવાની જાહેરાત કરાઈ હતી.

મતદાનની તારીખ પહેલાં રાજ્યમાં આ ચૂંટણીમાં ઘણી બેઠકો પરથી ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવાના કિસ્સા સામે આવ્યા બાદ અંતે જાણવા મળ્યું હતું કે રાજ્યમાં કુલ 733 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે. જે પૈકી મોટા ભાગની બેઠકો ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે.

એક તરફ ભાજપના નેતાઓ આ વાતને 'પાર્ટી પર ગુજરાતની પ્રજાના વિશ્વાસ' તરીકે રજૂ કરી રહ્યા છે, તો બીજી તરફ વિપક્ષ તેને 'ભાજપનું ધાકધમકી અને લાલચનું રાજકારણ' ગણે છે.

એક બાજુ બેઠકો બિનહરીફ થવાની વાત છે, તો બીજી તરફ એવાં પણ કેટલાંક બેઠકો અને વૉર્ડ છે, જ્યાં ભાજપના ઉમેદવારોએ પ્રજાના 'ઉગ્ર વિરોધ'નો સામનો કરવો પડી રહ્યો છે. આ હકીકત બતાવતા વીડિયો પણ સોશિયલ મીડિયા પર પાછલા અમુક દિવસોમાં ફરતા થયા છે.

બીબીસી ગુજરાતીએ અમદાવાદ, વડોદરા અને સુરતમાં પોતાના સાથી પત્રકારો અને સંવાદદાતાઓ સાથે વાત કરીને ભાજપના ઉમેદવારોના વિરોધના બનાવો અંગે જાણ્યું હતું.

અમદાવાદમાં દેખાયાં 'વિરોધનાં પોસ્ટરો' અને થઈ 'લાફાવાળી'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, વડોદરા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, રાજકારણ

ઇમેજ સ્રોત, Pavan Jaiswal/BBC

ઇમેજ કૅપ્શન, અમદાવાદના અસારવા ખાતે અમુક ચાલીના પ્રવેશદ્વાર પર 'ભાજપના વિરોધ' અંગેનાં પોસ્ટર લગાડેલાં જોવા મળ્યાં હતાં, જે પાછળથી ઊતરી ગયેલાં જોવા મળ્યાં હતાં

બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્યે અમદાવાદ શહેરમાં તાજેતરમાં ભાજપ સામેના વિરોધ અંગેનો નમૂનો નજરે જોયો હતો. તેમણે કહ્યું, "દસેક દિવસ પહેલાં અસારવા વિસ્તારમાં પાંચ-છ ચાલીના રહીશોએ ચાલીના પ્રવેશદ્વાર પર ભાજપના વિરોધ માટેનાં પોસ્ટરો લગાડ્યાં હતાં. જેમાં 'કમલનું ફૂલ અમારી ભૂલ' જેવા નારા દેખાતા હતા. જ્યારે અમે રહીશો સાથે વાત કરી તો તેમણે કહ્યું કે તેઓ પરંપરાગત રીતે ભાજપને જ મત આપતા આવે છે, પરંતુ આ વખત તેઓ ભાજપના ઉમેદવારોને અહીં પ્રચાર નહીં કરવા દે."

આ વિસ્તારમાં ચાલીમાં રહેતા એક રહેવાસી જયેશ ઓડે તેમને કહ્યું કે, "જો ભાજપના લોકો અહીં આવશે તો અમે તેમને ચા-પાણી પીવડાવીને પાછા વાળી દઈશું, પરંતુ પ્રચાર નહીં કરવા દઈએ."

જયેશભાઈ આગળ જણાવે છે કે, "આ વિસ્તારના રહીશો પોતાની ચાલીઓના રિડેવલપમેન્ટના નિર્ણયથી નારાજ છે. અમે કૉર્પોરેશન અને ભાજપના પ્રતિનિધિઓને અનેક રજૂઆતો કર્યા છતાં આ રિડેવલપમેન્ટના નિર્ણય અંગે કોઈ નક્કર કાર્યવાહી ન કરાઈ. "

તેજસ વૈદ્યે આગળ વાત કરતાં કહ્યું હતું કે, "જોકે, આ વિરોધ બાદ પાછળથી આ પોસ્ટરો ઊતરેલાં જોવા મળ્યાં હતાં."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, વડોદરા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, રાજકારણ

ઇમેજ સ્રોત, Pavan Jaiswal/BBC

ઇમેજ કૅપ્શન, અસારવા ખાતે ચાલીઓના રિડેવલપમેન્ટના નિર્ણય સામે વિરોધ કરતાં સ્થાનિકો

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે અમદાવાદ શહેરના ઇન્ડિયા કૉલોની વિસ્તારમાં ભાજપના ઉમેદવારો સાથે આવેલી અશોક મિલની નવી ચાલી ખાતે પ્રચારાર્થે પહોંચેલા ભાજપના એક કાર્યકરને એક રહીશે કથિતપણે 'લાફા ઝીંકી દીધા' હતા.

અહેવાલ પ્રમાણે આ બનાવમાં હસમુખ વોરા નામના એક રહીશે કથિતપણે પોતાની ચાલીમાં ભાજપના ઉમેદવારો સાથે પ્રચારાર્થે પહોંચેલા ધીરજ મૂળજી રાઠોડ નામના કાર્યકરને અને નેતાઓને કહી દીધેલું કે, "તમારે ભાજપના લોકોએ અહીં પ્રચાર માટે ન આવવું જોઈએ, હવે અહીંથી જાઓ."

આ બનાવ સંદર્ભે થયેલી ફરિયાદને ટાંકતાં લખાયું છે કે, "જ્યારે તેમણે વોરાને સમજાવવાનો પ્રયાસ કર્યો તો તેમણે કથિતપણે ગાળો આપવાનું શરૂ કરી ધીરજ રાઠોડનો કૉલર પકડીને તેમને મોં પર ઘણા તમાચા ઝીંકી દીધા અને તેમને નીચે પાડી દીધા."

આ મામલામાં અમદાવાદની શહેરકોટડા પોલીસે આરોપી હસમુખ વોરાની ધરપકડ કરી હતી.

સુરતમાં 'પાંચ વર્ષે કેમ દેખાયા?' સહિત 'કામ નહીં તો વોટ નહીં'ના નારા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, વડોદરા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, રાજકારણ

ઇમેજ સ્રોત, Hardik

ઇમેજ કૅપ્શન, વડોદરાના વૉર્ડ નં. 6માં પ્રચાર વખતે મતદારે ભાજપના ઉમેદવારને દૂષિત તળાવ બતાવતાં ઉમેદવારો સહિતના સમર્થકોએ ચાલતી પકડી હતી

સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી સોહમ સોસાયટીના રહીશોએ ભાજપના ઉમેદવાર ધર્મેશ પટેલ સામે 'રોષ ઠાલવ્યો' હતો.

બીબીસી ગુજરાતીના સુરતસ્થિત સહયોગી રૂપેશ સોનવણેએ જણાવ્યું કે, "ચૂંટણીપ્રચારમાં ગયેલા ઉમેદવારને સ્થાનિકોએ આડે હાથ લેતા સવાલ કર્યો હતો કે છેલ્લાં પાંચ વર્ષમાં તેઓ કેમ એક વાર પણ દેખાયા નથી?"

રૂપેશે ભાજપના ઉમેદવારોના વિરોધનો આવો જ વધુ એક કિસ્સો જણાવતાં કહ્યું હતું કે, "થોડા દિવસ પહેલાં સુરતમાં વૉર્ડ નંબર 3માં સ્થાનિક જનતાએ ભાજપના ઉમેદવારોનું હાર પહેરાવી સ્વાગત કર્યું અને એ બાદ પાંચ વર્ષમાં કરેલાં કાર્યો અંગે અનેક પ્રશ્નો કર્યો હતા, પરંતુ ઉમેદવારો પાસે આ સવાલોનો કોઈ જવાબ નહોતો જોવા મળ્યો. આ વિરોધને જોતાં ભાજપના ઉમેદવારો આ વિસ્તારમાં પ્રચાર કરવા જતાં પહેલાં વિચારતા થઈ ગયા હતા."

વીડિયો જુઓ
વીડિયો કૅપ્શન, સુરત: ભાજપના ઉમેદવારને 'જાકારો', સ્થાનિકોએ શું કહ્યું?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણે આગળ જણાવ્યું કે, "કતારગામના વૉર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવાર રઘુ ખૂંટનો વિરોધ યથાવત્ છે. અમુક ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ શંકરનગર સોસાયટીના રહીશોએ તેમને સોસાયટીમાં પ્રવેશવાની મનાઈ કરી દીધી હતી. વિરોધ કરનારા કેટલાક સ્થાનિકોનું કહેવું છે કે ભાજપે વિવાદિત ચહેરાને ટિકિટ આપતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેની અસર આગામી પરિણામો પર પડી શકે છે."

"તો સુરતના ગોપીપુરા અને કુંભારવાડા વિસ્તારમાં ગંદકીના પ્રશ્ને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ભાજપના મધ્યસ્થ કાર્યાલયની નજીક જ કચરાના ઢગલા હોવા છતાં એસએમસી દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. સ્થાનિકોએ અહીં હવે કામ નહીં તો વોટ નહીંનો વિચાર અપનાવી તંત્ર અને સત્તાધારી પક્ષ સામે મોરચો માંડ્યો છે."

સુરતના વૉર્ડ નં. 28ના મતદાર અને ભેસ્તાન વિસ્તારના રહીશ ભીકનભાઈ મિસ્ત્રીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમના વિસ્તારમાં ભાજપના ઉમેદવારોનો 'ભારે વિરોધ' થઈ રહ્યો છે.

તેમણે કહ્યું, "પાછલાં ઘણાં વર્ષોથી સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ભાજપનો દબદબો હોવા છતાં અમારા વિસ્તારમાં રોડ-રસ્તાનાં કામ, ગટર અને ડ્રેનેજની યોગ્ય કામગીરી, વરસાદી પાણીના નિકાલ અને ગંદકી સંબંધિત સમસ્યાઓનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી, તેથી અહીંના રહીશો હવે ઉમેદવારોનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે, લોકો જાગૃત થયા છે, સવાલો પૂછ્યા વગર મત નહીં આપે, પરંતુ આ ઉમેદવારો અમારા સવાલોના જવાબ આપવાને બદલે મોટા ભાગે ચાલતી જ પકડી લે છે."

વડોદરા: 'ભાજપના ઉમેદવારોને સોસાયટીના ગેટ પર જ ઊભા રાખી રહીશોએ સવાલ કર્યા'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, વડોદરા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, રાજકારણ

ઇમેજ સ્રોત, Hardik

ઇમેજ કૅપ્શન, વડોદરાના વૉર્ડ નં. 8 ખાતે સ્થાનિકોએ પ્રચાર કરવા આવેલા ધારાસભ્ય અને સાંસદ સમક્ષ ઊભરો ઠાલવ્યો હતો

બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર હાર્દિક વડોદરા શહેરમાં વર્ષ 2008થી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત્ છે. તેઓ કહે છે કે, "મારી પત્રકાર તરીકેની કારકિર્દી દરમિયાન મેં ઘણી ચૂંટણીઓનું કવરેજ કર્યું, પરંતુ આ વખતની ચૂંટણી એટલા માટે અલગ લાગી રહી છે કે વડોદરા શહેરમાં પહેલી વાર મોટા પાયે ભાજપના ઉમેદવારો અને કાર્યકરોએ વ્યાપક વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલાં ભાજપ માટે સ્થિતિ ક્યારેય આટલી વિકટ નહોતી બની."

તેમણે બુધવારના રોજ ભાજપના ઉમેદવારો સામે શહેરમાં મતદારો દ્વારા થયેલા વિરોધના ત્રણ બનાવો અંગે જણાવ્યું.

હાર્દિકે કહ્યું કે, "વૉર્ડ નંબર 19માં પ્રચાર કરવા નીકળેલા ભાજપના ઉમેદવારોને સ્થાનિક લોકોએ ઘેરી લીધા હતા. કેટલાક રહીશોએ રોકડું પરખાવતાં કહ્યું હતું કે મત લીધા પછી દેખાજો, ગાયબ ન થઈ જતા."

"તો બુધવારે જ વૉર્ડ નંબર 6માં ભાજપના ઉમેદવારો પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે નજીક આવેલા એક તળાવ પાસેથી નીકળતી વખતે એક સ્થાનિકે તેમને તળાવની દુર્દશા દેખાડી, એ અંગે પ્રશ્નો કર્યા, પરંતુ મતદારની વાત સાંભળવાને બદલે ઉમેદવારે ચાલતી પકડી લીધી. જ્યારે સ્થિતિ વધુ વણસતી દેખાઈ તો ભાજપના કેટલાક કાર્યકરોએ નારા પોકારીને મતદારને શાંત કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સામે મતદારે ભાજપના ઉમેદવારો અને કાર્યકરોને શરમમાં મૂકે એવા કેટલાક સવાલ પૂછી નાખ્યા."

"બુધવારે જ્યારે શહેરના વૉર્ડ નંબર 12 ભાજપના ઉમેદવારો ઢોલ-નગારાં સાથે પ્રચાર માટે પહોંચ્યા તો વિસ્તારમાં આવેલી વ્રજવિહાર સોસાયટી રહીશોએ મુખ્ય પ્રવેશદ્વાર બંધ કરીને તેમને સોસાયટીની અંદર પ્રવેશવા ન દીધા અને ગેટ પર જ ઊભા રાખીને છેલ્લાં પાંચ વર્ષના કામનો હિસાબ માગ્યો."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, વડોદરા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, રાજકારણ

ઇમેજ સ્રોત, Hardik

ઇમેજ કૅપ્શન, વડોદરાના વૉર્ડ નં.19માં પ્રચાર કરતી વખતે ભાજપ ઉમેદવારોને પ્રજાએ ઘેર્યા અને 'અધિકારીઓની લાંચ' સંબંધિત આક્ષેપો અંગે પ્રશ્ન પૂછ્યા

હાર્દિકે જણાવ્યું કે, આ વિસ્તારમાં પાણી, રોડ, રસ્તા, મૂળભૂત સુવિધાઓ અંગે લોકોમાં નારાજગી છે.

આ ઉપરાંત 14 એપ્રિલના રોજ શહેરના વૉર્ડ નંબર 8માં ધારાસભ્ય કેયૂર રોકડિયા અને સાંસદ હેમાંગ જોશી પ્રચાર માટે નીકળ્યા હતા ત્યારે તેમણે પણ સ્થાનિકોના વિરોધ અને સવાલોનો સામનો કરવો પડ્યો હતો.

"સ્થાનિકોએ આ વિસ્તારમાં પીવાના શુદ્ધ પાણી અને વરસાદના પાણીના યોગ્ય નિકાલ અંગે રજૂઆતો કરી હતી, આ દરમિયાન ભાજપના એક કાર્યકરે સ્થાનિકોનો અવાજ દબાવવા માટે ઢોલ વગાડવાનો ઇશારો કર્યો, જેથી સ્થાનિકો વધુ અકળાયા અને મામલો ઉગ્ર બનતો જોઈને બંને નેતાઓએ ત્યાંથી ચાલતી પકડી હતી."

આ સિવાય હાર્દિકે શહેરમાં કૉંગ્રેસના ઉમેદવારોએ પણ વિરોધનો સામનો કરવો પડ્યો હોવાની સાબિતી આપતાં એક બનાવ અંગે વાત કરી.

તેમણે કહ્યું કે, "બુધવારે વડોદરાના વૉર્ડ નંબર 1માં કૉંગ્રેસના ઉમેદવારો પ્રચાર માટે ગયા હતા, ત્યાં છેલ્લી બે ટર્મથી કૉંગ્રેસની પૅનલ ચૂંટાઈ આવે છે. સ્થાનિક લોકોએ કૉંગ્રેસના ઉમેદવારો સામે ગંદા પાણીની બૉટલો ધરીને સવાલ કર્યા હતા અને છેલ્લાં પાંચ-દસ વર્ષથી પીવાના શુદ્ધ પાણીની સુવિધાના અભાવની ફરિયાદ કરી અને વોટ કઈ રીતે આપવા એ પૂછ્યું. તેથી આ ઉમેદવારોએ તેમની રજૂઆત સાંભળ્યા વિના જ પ્રચાર અધવચ્ચે અટકાવીને ચાલતી પકડી હતી."

શું કહે છે રાજકીય વિશ્લેષકો?

ગુજરાતના વરિષ્ઠ પત્રકાર હરેશ ઝાલા અમદાવાદ, સુરત અને વડોદરામાં ભાજપના ઉમેદવારો સામે જોવા મળેલા વિરોધ અંગે વાત કરતાં કહે છે કે, "અહીં નોંધનીય છે કે આપણા સુધી સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો થકી જે વિરોધ સામે આવી રહ્યા છે, એ પ્રમાણસર નાના છે, પરંતુ તેમાં જે સમસ્યાની વાત થઈ રહી છે એ ખૂબ મોટી છે. શહેરો મોટાં કરી દેવાયાં છે, પરંતુ માળખાગત સુવિધાઓ શહેરના કદ પ્રમાણે વધી નથી. લોકો માટે હાલ સૌથી મોટી સમસ્યા થોડા અમથા વરસાદમાં શહેરમાં થતો પાણી ભરાવો છે. આ સિવાય ગટર અને આરોગ્યની સુવિધાઓના પ્રશ્નો જોવા મળે છે. કૉર્પોરેશનની સુવિધાઓની ગુણવત્તાનો પણ પ્રશ્ન છે."

"આ વખતે લોકોની સૌથી મોટી ફરિયાદ તેના પ્રતિનિધિ માત્ર મત માગવા સમયે જ દેખાય છે અને એ સિવાયના સમયમાં ખોવાઈ જાય છે. એક કૉર્પોરેટરે સાંસદ જેટલી મોટી વસ્તી કે વિસ્તાર સાચવવાનાં નથી હોતાં, તો તેઓ જો પોતાના મતદારોને પાંચ વર્ષમાં પાંચ વખત પણ ન મળે તો આવા પ્રતિનિધિ સામે લોકો વિરોધ ન કરે તો શું કરે."

"લોકો બધું સાંભળે છે, જુએ છે, તેથી આ બધો બળાપો કાઢે છે. આ વખતે જે વિરોધ દેખાયું છે, એ નાના સ્વરૂપમાં છે, પરંતુ જો પ્રજાના પ્રતિનિધિ નહીં સુધરે તો ક્યાંક ને ક્યાંક આ વાતનાં પરિણામ તેમણે ભોગવવાં પડશે."

દક્ષિણ ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક નરેશ વરિયા કહે છે કે, "સુરતમાં વૉર્ડ પ્રમાણે અલગ-અલગ મુદ્દા છે અને એ મુદ્દાને આધારે હાલ ભાજપનો વિરોધ થઈ રહ્યો છે. ક્યાંક ઉમેદવારની છબિ અંગે નારાજગી, તો ક્યાંક સ્થાનિક મુદ્દા વિરોધનું કારણ બની રહ્યા છે."

તેઓ કહે છે કે, "વૉર્ડ સાતમાં ભાજપના ઉમેદવાર સામે લાંચ લેવાનો આરોપ થયો અને તેનો વિરોધ થયો, ગોરાટ હનુમાન વિસ્તારમાં અશાંતધારો લાગુ ન કરવાની વાત અંગે વિરોધ થયો. કેટલીક જગ્યાએ માત્ર ઉમેદવારની છબિ નહીં, પરંતુ પક્ષ સામે વિરોધ જોવા મળી રહ્યો છે."

"કેટલીક જગ્યાએ જે-તે જ્ઞાતિના ઉમેદવારની પસંદગી નથી થઈ તેના કારણે તો કેટલીક જગ્યાએ પાણીની સમસ્યા અને અન્ય પાયાની સમસ્યા મુદ્દે ભાજપના ઉમેદવારો સામે વિરોધ જોવા મળી રહ્યો છે. ભાજપના કેટલાક કાર્યકરોને એવા પણ સવાલ પુછાઈ રહ્યા છે કે તેઓ હાલ ચૂંટણી વખતે જ દેખાઈ રહ્યા છે, પાંચ વર્ષમાં તેઓ દેખાયા નથી. લોકોનાં કામ થયાં નથી, આમ સ્પષ્ટપણે પ્રજામાં અજંપો અને અસંતોષ દેખાઈ રહ્યો છે."

નરેશ વરિયા ભાજપના ઉમેદવારો સામે સુરતમાં વિરોધ થવાની વાતને એટલા માટે મહત્ત્વપૂર્ણ માને છે કે, "ભાજપના ઉમેદવારોને પાટીદાર આંદોલન પછી યોજાયેલી ચૂંટણીને બાદ કરતાં આવા વિરોધનો સામનો કરવો પડ્યો નથી. હાલ વિવિધ વિસ્તારોમાં ભાજપે વિરોધનો સામનો કરવો પડ્યો છે."

તેઓ કહે છે કે ઉમેદવારની પસંદગી, જૂના કૉર્પોરેટરો જે રિપીટ થયા હોય પરંતુ કામ ન થયાં હોય તો તેમની સામે પણ વિરોધ છે, આવાં વિવિધ કારણસર ભાજપના ઉમેદવારો સામે વિરોધ જોવા મળી રહ્યો છે.

નરેશ વરિયા એવું પણ જણાવે છે કે, "કેટલાક વિસ્તારોમાં કૉંગ્રેસને પણ સુરતમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે લોકોના મનમાં એવી વાત પણ ખરી કે ભલે તમે સત્તામાં નહોતા, પરંતુ અમારાં કામ થાય એ સુનિશ્ચિત કરાવવા માટે એક જવાબદાર વિપક્ષની જવાબદારી તમારી હતી, જે પૂરી નથી થઈ શકી. આ ઉપરાંત કૉંગ્રેસે પણ લોકસંપર્કના પૂરતા પ્રયાસો ન કર્યા હોવાની વાત સામે આવી રહી છે, તેથી તેમને પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આવી જ રીતે આમ આદમી પાર્ટી સામે પણ સોશિયલ મીડિયામાં કેટલોક વિરોધ જોવા મળી રહ્યો છે, પરંતુ તેમના ઉમેદવારોને ભગાડ્યા હોય તેવું નથી જોવા મળી રહ્યું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન