સુભાષ ચંન્દ્રા : 22 હજાર કરોડના બદલામાં 6.5 કરોડની ચુકવણી પર થયેલા 'વિવાદ' બાદ એનસીએલટીનું વલણ બદલાયું? શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Getty Images
નૅશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ (NCLT) મીડિયા ઉદ્યોગપતિ સુભાષ ચંદ્રા અંગેના પોતાના નિર્ણયથી પાછળ હઠી રહ્યું હોય તેવું પ્રતીત થાય છે.
એનસીએલટીએ હવે સુભાષ ચંદ્રા પાસેથી વસૂલાત યોજના પર સર્વસંમતિ સાધવા માટે પાંચ સભ્યોની બેન્ચની રચના કરી છે.
આ મામલે એનસીએલટીની પાંચ જજોની બેન્ચે તમામ પક્ષોને નોટિસ જારી કરી છે અને નિર્દેશ આપ્યો છે કે આ મામલે અંતિમ ચુકાદા સુધી કોઈ પણ સંપત્તિ પર કોઈ નિર્ણય નહીં લેવામાં આવે.
આ એક નાદારીનો કેસ છે જેમાં 22 હજાર કરોડથી વધુની વસૂલાતનો મામલો છે. એનસીએલટીએ હવે જણાવ્યું છે કે બે સભ્યોની બેન્ચ બહુમતી નિર્ણય પર પહોંચવામાં અસમર્થ રહ્યા બાદ હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઘટનાક્રમનો સંબંધ સુભાષ ચંદ્રાના એ પ્રસ્તાવ સાથે સંબંધિત છે જેમાં 22006.57 કરોડ રૂપિયાના મંજૂર દાવાઓ સામે માત્ર 6.25 કરોડ રૂપિયાની ચુકવણીની ઑફર કરવામાં આવી હતી.
એનસીએલટીએ જણાવ્યું હતું કે ચંદ્રાની ચુકવણીની આ યોજનાને મંજૂરી આપતો નિર્ણય એ કોઈ બહુમતીનો નિર્ણય નહોતો. એનસીએલટીના સભ્યનો અભિપ્રાય મૂળ બેન્ચના બે સભ્યોથી અલગ હતો.
આ સ્પષ્ટતા ત્રીજા સભ્ય નિલેશ શર્મા દ્વારા 25 ઑગસ્ટના રોજ 144 પાનાંનો અભિપ્રાય આપ્યા બાદ આવી છે. તેમને ચંદ્રાની ચુકવણી યોજનાને મંજૂરી આપનાર તરીકે વ્યાપકપણે જોવામાં આવ્યું હતું.
આ વિવાદ 3 સપ્ટેમ્બર, 2025 ના રોજ ઊભો થયો હતો, જેમાં એનસીએલટીના બેન્ચ ઑફ જ્યુડિશિયલ સભ્યો અશોકકુમાર ભારદ્વાજ અને રીના સિંહા પુરીની બેન્ચ દ્વારા અલગ અલગ ચુકાદા આપવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારદ્વાજે 22 હજાર કરોડને બદલે 6.25 કરોડની ચુકવણી યોજનાને મંજૂરી આપી હતી. જોકે, તેમણે તેની અસર ફક્ત તે લેણદારો સુધી જ મર્યાદિત રાખી હતી કે જેમણે આ યોજનાનું સમર્થન કર્યું હતું. તેમણે અસહમત બૅન્કો અને નાણાકીય સંસ્થાઓને તેમના દેવાની વસૂલાત માટે સ્વતંત્ર કાનૂની ઉપાયો કરવાની મંજૂરી આપી હતી.
હવે શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પુરીએ આ યોજનાને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. તેમનું માનવું હતું કે આખા મામલામાં નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તેમણે લેણદારોની મતદાન પ્રક્રિયામાં ચંદ્રા સાથે કથિત રીતે જોડાયેલી કેટલીક સંસ્થાઓનો સમાવેશ કરવા ઉપર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને સમગ્ર પ્રક્રિયાની ટીકા કરી હતી.
ત્યારબાદ આ મામલો ત્રીજા સભ્ય નિલેશ શર્માને મોકલવામાં આવ્યો હતો. શર્માએ યોજનાને મંજૂરી આપી પરંતુ અસહમત લેણદારો અંગે ભારદ્વાજના વલણને મંજૂરી ન આપી.
તેમણે દલીલ કરી હતી કે કલમ 115 એ કોઈપણ મંજૂર થયેલી ચુકવણી યોજનાને કેટલાક પસંદગીના લેણદારો પર લાગુ કરવાની મંજૂરી આપતી નથી. તેમના મતે, આ યોજના બધા લેણદારો માટે બંધનકર્તા હોવી જોઈએ, પછી ભલે તેઓએ તેના પક્ષમાં મતદાન કર્યું હોય કે વિરુદ્ધમાં.
એનસીએલટીએ જણાવ્યું હતું કે, "મૂળ આદેશમાં, જ્યુડિશિયલ મૅમ્બર તરફથી અસહમત લેણદારોને પોતાના પૈસા વસૂલવાની સ્વતંત્રતા આપતી હોય એવી યોજના માત્ર સહમત લેણદારો સુધી જ સીમિત કરવામાં આવી હતી. આ પ્રક્રિયા એ ત્રીજા સદસ્ય તરફથી યોજનાને મંજૂરી મળવી અને બૅન્કો સહિત તમામ નાણાકીય સંસ્થાઓ કે લેણદારોના દાવાઓ સમાપ્ત કરવાની જે વાત હતી તેનાથી અલગ છે."
ટ્રિબ્યૂનલે તારણ કાઢ્યું કે ત્રીજા સભ્યએ કોઈપણ મૂળ અભિપ્રાય સાથે સંપૂર્ણપણે સહમત થવાને બદલે સ્વતંત્ર આદેશ પસાર કર્યો હતો.
કાનૂની સ્થિતિ એ છે કે 25 ઑગસ્ટના અભિપ્રાયને પાછો ખેંચવામાં આવ્યો નથી કે પલટાવી દેવામાં આવ્યો નથી. તે ક્યારેય અંતિમ મંજૂરીનો આદેશ બન્યો નથી, કારણ કે મુખ્ય બેન્ચે હવે શોધી કાઢ્યું છે કે કાયદા હેઠળ જરૂરી બહુમતી રચાઈ ન હતી. તેથી, આ મામલો એનસીએલટીના અધ્યક્ષને પાછો મોકલવામાં આવ્યો છે.
સુભાષ ચંદ્રા સામે શું કેસ છે?

ઇમેજ સ્રોત, Getty Images
એનસીએલટી સમક્ષ જે મામલો હતો તે સુભાષ ચંદ્રાની વ્યક્તિગત ગેરંટર તરીકેની જવાબદારી સાથે સંબંધિત હતો. એ મામલો કૉર્પોરેટ ઍન્ટિટી તરીકે ઍસ્સેલ ગ્રૂપની લેણદારી સાથે સંબંધિત નહોતો.
એનસીએલટી માં આ કાર્યવાહી ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા વિવેક ઇન્ફ્રાકૉન પ્રાઇવેટ લિમિટેડને આપવામાં આવેલી 170 કરોડની લોનના સંદર્ભમાં શરૂ કરવામાં આવી હતી, જેના માટે ચંદ્રાએ વ્યક્તિગત ગૅરંટી આપી હતી.
વ્યક્તિગત ગૅરંટી એ વ્યક્તિ તરફથી આપવામાં આવતું વચન છે કે જો ઉધાર લેનાર અથવા કંપની લોન ચૂકવવામાં નિષ્ફળ જાય, તો તે વ્યક્તિ લોન ચૂકવી દેશે.
ગત મહિને 27 ઑગસ્ટના રોજ જાહેર કરવામાં આવેલ એક પ્રેસ સ્ટેટમેન્ટમાં, ચંદ્રાના કાર્યાલયે સ્પષ્ટતા કરી હતી કે તેમણે કોઈપણ ધિરાણકર્તા પાસેથી કોઈ પૈસા ઉધાર લીધા નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ચંદ્રા ફક્ત એક વ્યક્તિગત ગૅરંટર છે."
વ્યક્તિગત નાદારીની કાર્યવાહીમાં વ્યક્તિગત ગૅરંટર તરીકે સુભાષ ચંદ્રા સામે કુલ દાવો ફક્ત 3,992 કરોડ રૂપિયાનો છે, જે યોજનાનો વિરોધ કરતાં લેણદારો દ્વારા કરવામાં આવ્યો છે. આ દાવો 22,000 કરોડ રૂપિયાનો નહીં."
22,000 કરોડ રૂપિયાને બદલે 6.5 કરોડ રૂપિયા કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
સુભાષ ચંદ્રાના વ્યક્તિગત નાદારીના કેસમાં મંજૂર થયેલી કુલ રકમ 22,006.57 કરોડ છે. સમાધાન યોજનામાં લેણદારોને 6.25 કરોડ અને પ્રક્રિયાના ખર્ચ માટે 25 લાખ ચૂકવવાનો પ્રસ્તાવ છે.
તેથી, 99.97 ટકા 'હેર-કટ'ની ગણતરી કુલ મંજૂર દાવાઓ અને ચંદ્રાની વ્યક્તિગત ચુકવણી યોજના હેઠળ ચૂકવવાપાત્ર રકમ વચ્ચેની સરખામણીના આધારે કરવામાં આવે છે. આનો અર્થ એ નથી કે ચંદ્રાએ વ્યક્તિગત રીતે 22,006 કરોડની લોન લીધી હતી.
રિઝોલ્યુશન પ્રોફેશનલે ચંદ્રાની જાહેર કરેલી વ્યક્તિગત સંપત્તિનું મૂલ્ય આશરે 31.79 કરોડ હોવાનો અંદાજ લગાવ્યો હતો. એનસીએલટીએ એ વાત પર વિચાર કર્યો કે ચુકવણી યોજના હેઠળ લેણદારોને જો ચંદ્રા દેવાળિયા થઈ જાય તો વધુ રકમ મળી શકે છે. એ પછી ટ્રિબ્યૂનલે આ યોજનાને મંજૂરી આપી.
'ધ હિંદુ' અખબારે અહેવાલ આપ્યો છે કે આ કેસમાં ચંદ્રાની અગાઉ જાહેર કરેલી સંપત્તિ અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. અહેવાલ મુજબ, "RBL બૅન્કને આપવામાં આવેલા 2017ના નેટ-વર્થ પ્રમાણપત્રમાં, તેમની સંપત્તિ આશરે 45,888 કરોડની સૂચિબદ્ધ હતી. જ્યારે 2018ના પ્રમાણપત્રમાં, તે આશરે40,562 કરોડ હતી. વર્તમાન કિસ્સામાં, તેમની સંપત્તિનું મૂલ્ય આશરે 31.79 કરોડ આંકવામાં આવ્યું છે."
આ વિસંગતતાની તપાસ માટે લેણદારોએ ફોરેન્સિક ઑડિટની માંગણી કરી હતી.
મુંબઈમાં નાદારી અને વ્યવસાયિક મુકદ્દમાના કેસ સંભાળતા વકીલ રોહન એસ. વસાએ 'ધ હિંદુ'ને જણાવ્યું હતું કે, "જ્યારે જૂના નેટ-વર્થ પ્રમાણપત્ર અને આજે જાહેર કરાયેલી સંપત્તિ વચ્ચેની વિસંગતતા એક વાજબી પ્રશ્ન ઉઠાવે છે. પરંતુ તેનાથી એ છેતરપિંડીનો પુરાવો નથી થઈ જતો અને તે આપમેળે ફોરેન્સિક ઑડિટની બાંહેધરી આપતું નથી."
"આ વાત ચિંતાજનક હોઈ શકે છે. પરંતુ શંકા એ કોઈ પુરાવો નથી. હાલમાં, એનસીએલટીએ ઠરાવ્યું છે કે લેણદારો નક્કર પુરાવા સાથે એ સાબિત કરવામાં નિષ્ફળ ગયા છે કે કોઈ ચોક્કસ સંપત્તિ લેણદારોને છેતરવા માટે ટ્રાન્સફર કરવામાં આવી હતી, છુપાવવામાં આવી હતી અથવા સ્થાનાંતરિત કરવામાં આવી હતી."
એનસીએલટીએ જ રીતે જણાવ્યું હતું કે જૂનાં નેટ-વર્થ પ્રમાણપત્રો પોતે જ સાબિત કરતા નથી કે સંપત્તિ છુપાવવામાં આવી છે અથવા અન્યત્ર ટ્રાન્સફર કરવામાં આવી છે.
ટ્રિબ્યૂનલે એમ પણ જણાવ્યું હતું કે ચુકવણી યોજનાને મંજૂરી આપવા માટે ફોરેન્સિક ઑડિટ એ ફરજિયાત પૂર્વશરત નથી.
મુકેશ અંબાણી અને સુભાષ ચંદ્રા કેમ સામસામે આવી ગયા?

ઇમેજ સ્રોત, ANI
એનસીએલટીના નિર્ણયની ટીકા બાદ, ચંદ્રાએ જાહેરમાં મુકેશ અંબાણી પર નિશાન સાધ્યું હતું અને રિલાયન્સ સાથે જોડાયેલાં મીડિયા આઉટલેટ્સ, ખાસ કરીને TV18/CNBC-TV18 પર આરોપ લગાવ્યો કે તેઓ આ કેસને એવી રીતે રજૂ કરી રહ્યા છે જાણે તેમણે વ્યક્તિગત રીતે 22 હજાર કરોડની લોન લીધી હોય અને પછી સાડા છ કરોડ ચૂકવીને ભાગી ગયા હોય.
ચંદ્રાએ ઝી, ઇન્વેસ્કો અને રિલાયન્સ વચ્ચેના જૂના કૉર્પોરેટ વિવાદને પણ ફરીથી ઉઠાવ્યો.
તેમણે આરોપ લગાવ્યો કે રિલાયન્સે અગાઉ ઝી મીડિયા પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને એમ પણ કહ્યું હતું કે હાલનું મીડિયા કવરેજ એ જૂની વ્યાપારી દુશ્મનાવટ સાથે જોડાયેલું હોઈ શકે છે.
જોકે, રિલાયન્સે ચંદ્રાના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા.
રિલાયન્સે તેને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે તેના મીડિયા વ્યવસાયનો ઉપયોગ વ્યક્તિગત હુમલાઓ કે બદલો લેવા માટે કરવામાં આવી રહ્યો નથી.
રિલાયન્સે એમ પણ કહ્યું કે તે ચંદ્રાનું એક ઉદ્યોગપતિ અને ઉદ્યોગસાહસિક તરીકે ઉચ્ચ સન્માન કરે છે.
ઝી-ઇન્વેસ્કોનો મુદ્દો 2021 માં સામે આવ્યો હતો. તે સમયે, ઝીના મુખ્ય શૅરહોલ્ડર ઇન્વેસ્કોએ બૉર્ડમાં ફેરફારની માંગ કરી હતી. રિલાયન્સ તેના મીડિયા વ્યવસાયના સંભવિત મર્જર અંગે ઝી સાથે ચર્ચામાં પણ સામેલ હતી.
તે પ્રસ્તાવિત સોદો આગળ વધી શક્યો નહીં. ત્યારબાદ ઝી-સોની સાથે મર્જર સાથે આગળ વધ્યું, પરંતુ તે સોદો પણ 2024 માં પડી ભાંગ્યો.
રિલાયન્સે પાછળથી ભારતીય મીડિયા બજારમાં ડિઝની સાથે ભાગીદારી કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























